Saturday, June 14, 2008

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

'પાગલ' તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત
- અલ્પેશ 'પાગલ'

લટક્યા કરું છુ ક્યારનો શ્વાસોના ક્રોસ પર
ખીલ્લા જડો તો એક જડો ઔર છાતીએ
- ભગવતી કુમાર શર્મા

આભ કહેતું દઈ કાન સુણતી ધરા
આસુંના ક્રોસે લટક્તી વારતા
- હરેશ તથાગત
કોઈ રાખે બંધ બારી-બારણા વરસાદમાં,
તોય આવી જાય છે સંભારણા વરસાદમાં.
આંખ પણ કરતી રહે છે છાંટણા વરસાદમાં,
આપણું આ મન જલે છે આપણાવરસાદમાં.
પ્રીતની વરસાવશે હેલી પછી શું શું થશે,
મે ય બાંધી છે મજાની ધારણા વરસાદમાં.
તનબદન ભીંજાય ને અસ્તિત્વ કોરુ હોય છે,
આમ સળગે છે હ્રદયના તાપણા વરસાદમાં.
અન્ય મોસમમાં રહું છું એકલો ચૂપચાપ હું,
પણ પ્રગટ થઈ જય છે ખાલીપણા વરસાદમાં,
ખોઇ નાખી મુગ્ધતા ને દોઢડાહ્યા થઈ ગયા,
જો પલળતા પણ નથી એવા ઘણા વરસાદમાં.
- અલ્પેશ 'પાગલ'

સ્પર્ધા જ કરવી હોય તો અહિયા કિનારે શું ?
મઝધારે જઈયે ચાલ તું તૈયાર છે ભઈલા ?
- અલ્પેશ 'પાગલ'
નથી નાખુદા ને ખુદા પર ભરોસો,
હવે નાવડી છે ભંવર છે ને હું છું.
- શૂન્ય પાલનપૂરી
ઋતુ સાથ મિજાજ બદલે છે તડકો
શિયાળામાં હૂંફ ને ઉનાળામાં ભડકો
મને બીક છે કે તમે આવશો તો
ડુમો થઈ ન બાજે ગળામાં ઉમળકો
ભલે દિલ તૂટ્યું છે ભલેને હશે જગ
ભલે ઘાવની સાથે થાતો ઘસરકો
સમજ દુનિયાને ફકત રુપિયાની
સ્મરણ ખીસ્સે ઘાલી ફરે એક કડકો
ફરી બાળપણ સાથે બિલ્લા કરીને
ફરીથી રમી નાખીયે અડકો દડકો
તું તો ત્ય ઉભી ઝુલ્ફ ઝટકે ને અહિયા
અમારા હ્રદયનેય લાગે છે ઝટકો
અમારી મહોબત શું એનાથી કમ છેં?
ચલો માન્યુ કે તું હશે રૂપનો કટકો
ગઝલ ચિતરુ છુ ખરેખર તો 'પાગલ'
આ છંદોની પીંછી શબદનો લસરકો
- અલ્પેશ "પાગલ"

નવ ગ્રહ એ એકલો રમાડે છે
સૂર્ય એટલે કે સાવ ચાલું છે
- અલ્પેશ "પાગલ"
અરે હું સૂર્ય છું પાછો ઉદય થાશે અહીં મારો
ઢળેલી સાંજ દેખી આમ ના ખાઓ દયા યારો
- જિગર જોષી "પ્રેમ"

એક મયખાનું ચાલે છે આલમ મહીં સૂર્ય પણ જામ છે ચંદ્ર પણ જામ છે
દ્રષ્ટિ વાળા ફકત પી શકે છે અહીં ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે.
- શૂન્ય પાલનપુરી

અણજાણતાં એ રાતનાં મે પણ પીધેલી ચાંદની
ઢોળી દીધેલી વિશ્વ પર બાકી વધેલી ચાંદની
ચોરી છુપીથી રાતના એ કોને મળવા ગઈ હતી
મદમાતી ચાલ ચાલતી રસ્તે મળેલી ચાંદની
ઉજળી કહો તો ચાંદ જેવી રાત જેવી શાંત પણ
એ છોકરીને એટલે મે તો કહેલી ચાંદની
એ એટલે બિચારી મુજ આગોશમાં આવી હતી
કે ચાંદથી છુટ્ટી પડી ભટકી ગયેલી ચાંદની
તારા વગર તો એ સનમ અમને કશુંયે ના ગમે
જો તુ નહોતી રાતના તો ક્યાં ગમેલી ચાંદની
આ ચાંદના સાન્નિધ્યમાં બહેકી જ ઉઠે છે બધા
"પાગલ" કવિના સાથમાં બહેકી ઉઠેલી ચાંદની
- અલ્પેશ "પાગલ"

તમારી યાદનો વરસાદ ઉપરવાસમાં વરર્સ્યો,
અમારી આંખનું સરવર હવે નક્કી છલકવાનું
- અલ્પેશ "પાગલ"

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે
પેલા પર્વત પર બે પ્રેમી કે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.
- મિલિન્દ ગઢવી
મારી કને ઘણા પુરાવા છે એ વાતના
વરસાદ એ કશું નથી આસુ છે આભના.
-જિગર જોષી "પ્રેમ"

જિવનની સમી સાંજે જખમોની યાદી જોવી 'તી
બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
-સૈફ પાલનપુરી
સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં
"પ્રેમ" આવી કોઈ સંધ્યામા જ સચવાયો હતો.
-જિગર જોષી "પ્રેમ"
લાલ આંખો લઈ લથડતી જાય છે
શું કહેવું આ શરાબી સાંજને ?
- અલ્પેશ "પાગલ"
ખુદ ઊશા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો છે ?
-શૂન્ય પાલનપુરી

"ન જાણે નિરવતામાં ભટકી રહી છે મદિરા મદિરાની કોની પુકારો,
ગયુ જામ આ કોની શ્રધ્ધાનું ફૂટી થયા બંધ આ કોની શ્રધ્ધાના દ્વારો."
"આ મયકદા છે 'શૂન્ય' અહીં ભેદભાવ શો?
બિન્દાસ પી કે નામ કોઈ પુછતું નથી."
"સાવ સુગમ છે મોક્ષનો મારગ
ઘૂંટ સુરામા આત્મવિલોપન"
"ધર્મીને માટે કરતા રહો મયકશો દુઆ
પાવન થવાને એજ મથે જે પતિત હો "
- શૂન્ય

મરણની પેલી તરફ પૂરપાટ ઘોડાઓ
ધસે છે શ્વાસના આ ફાટફાટ ઘોડાઓ
- ભગવતી કુમાર શર્મા

મનના ઊમગી અશ્વને સંયમની કેદ શી?
કાબિલ હો સવાર તો ઉડવા દો બેલગામ
-શૂન્ય

બહુ હણહણે અશ્વ આ કલ્પનાનો
કહો કેવી રીતે વિચારોને રોકું ?
- અલ્પેશ "પાગલ"

પ્રેમને સમજી શકો તો સાનમાં
આ અઢી અક્ષર તમારા માનમાં

શું તને મોઘમ ઈશારો ચાલશે?
કે કહી દઉં હું એ તારા કાનમાં.

છોકરી એ પર્સમાં સુગંધ લઈ
રાખતી આખુય ઉપવન બાનમાં.

જો હવે અલ્પેશ મોટો થઈ ગયો
કેટલું ખોવાઈ ગ્યું દરમ્યાનમાં

તું બધે "પાગલ" નહી કહેતો ગઝલ
રાખજે તલવાર તારી મ્યાનમાં
- અલ્પેશ "પાગલ"

કોણ જાણે કોની આખ્યુંમાં એ કેદી થૈ ગયા છે,
સ્વપ્ન મારા હમણા હમણા ખૂબ ભેદી ગયા છે,
ના ખબર જેને હતી દુનિયાની દુનિયાદારીની કૈ,
એક-બે ઠોકર પછી એ સાવ રેડી ગયા છે,
- અલ્પેશ "પાગલ"

કૈક ઝળહળતું હતું એ ક્યાં ગયું ?
આંખમાં આંસુ હતુ એ ક્યાં ગયું ?
-રિષભ મહેતા

હજાર વાત હતી એક એક આંસુમાં,
અને એ આંખ છે જે જાણતી નથી ઢળવું
- મનહર મોદી

ભીંતો સુધીનું ગામ ને દ્વારો થયા પાદર,
દુનિયા ફરૂ છું હાથમાં અખબાર રાખીને.
- કિર્તીકાન્ત પુરોહીત

ખાલીપણુ અખબાર છે ગઇકાલનું,
"પાગલ" કશું પણ વાંચવા જેવું નથી.
- અલ્પેશ "પાગલ"

"પાગલ" તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા,
અખબાર સામે છે હજી ગઇકાલનું બદલાવ દોસ્ત.
- અલ્પેશ "પાગલ"

વિસર્જન થઇ જશે અસ્તિત્વથી પસ્તિત્વમાં મારું,
મને ના વાંચ હું ગઇકાલના અખબાર જેવો છું.
- ભગવતી કુમાર શર્મા
અખબારમાં છપાઈ છે એના મરણની નોંધ,
ફિક્કુ કરીને સ્મિત એ વાંચે છે એકલો.
- ભગવતી કુમાર શર્મા

એક-બે ઇચ્છા હજુ'યે ટળવળે છે કે નહીં ?
શ્વાસ સાથે આહ પણ નીકળે છે કે નહીં ?

રોજના છે આ પ્રયાસો રોજનો છે આ નિયમ,
એમનું ઘર જોઇયે, આજે મળે છે કે નહીં ?

હું ઘણું બધ્ધું કહી થાકી ગયો છું આખરે,
જોઇયે,આ મૌનને તેઓ કળે છે કે નહીં ?

જ્યા હશે જેની અપેક્ષા ત્યા જ એ મળશે નહી,
જોઇ લે આખું જગત ઉપરતળે છે કે નહીં ?

એમના વ્યવહારનું ઠંડાપણું ગરમાવશું ,
જોઇશું કે આ બરફ પણ ઓગળે છે કે નહીં ?

દોસ્ત કાઈ પણ કરો આ જીદ નહી તોડી શકો,
લો,ચકાસો સીંદરીના વળ બળે છે કે નહીં ?

એક તો કરતા નથી એ ઠરવા જેવું કશું...
પાછા પૂછે છે મને કે દિલ બળે છે કે નહીં ?

આવું છે ખુશીનું 'પાગલ' ગમનું પણ આવું જ છે,
રોજ ઉગે છે સૂરજ પાછો ઢળે છે કે નહીં ?
- અલ્પેશ 'પાગલ'
દુનિયાનો ભરોસો કરનારા છે ધન્ય આ તારી દ્ર્ષ્ટિને,
મ્રૂગજળથી તમન્ના પાણીની એ જેવુ તેવુ કામ નથી.
-શૂન્ય

ઝાંઝવાનો એક ખોબો રાખવો,
ક્ષમ્ય છે આભાસ થોડો રાખવો.
- અલ્પેશ "પાગલ"

મ્રૂગજળે વારસાઈ હક માગ્યો,
મારું સિંચન છે સુક્કી વેલીમાં.
- ભગવતી કુમાર શર્મા

દેખાય છે હજી મને આ રણમાં ઝાંઝવા,
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી,
-શૂન્ય

Friday, June 13, 2008

ભક્તિ કેરી કાકલૂદી સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો,ઝાલરો ને બાંગના આલાપ બંધ્,
મેં જરા મોતેથી પ્રશ્ન પૂછ્યો કે હું કોણ છું,
થૈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.
-શૂન્ય

સત્ય સ્વયં શંકાથી ખેલે,
ઘોર અંધારૂ સો મણ તેલે,
માંડ ઇશ્વરની પોલ જડી છે,
કોણ હવે ભીનું સંકેલે.
-શૂન્ય

ક્યાં જરૂરત કૈ હતી કોઇ ખુદાની આપણે ?
આપણું જો મન ગીતા કુરાન જેવું હોત તો ?
- અલ્પેશ 'પાગલ'

सदियोसे हमने आजतक बदला नही खुदा,
हम लोग भी है कितने पुराने खयालके
- खलील धनतेजवी


ઉન્માદ થઈ ફરે છે એ છોકરી અજબ છે
રગ રગ મહીં વહે છે એ છોકરી અજબ છે


રૂપક ધરી શકે છે, રંગો બની શકે છે
એટલે મને ગમે છે એ છોકરી અજબ છે


જાણે ન કોઈ એવું શોધ્યું છે સ્થળ મિલનનું
જો, ખ્વાબમાં મળે છે એ છોકરી અજબ છે

એને નયનથી રમવો છે ખેલ એટલે તો
ચોપાટ ગોઠવે છે એ છોકરી અજબ છે


ના શબ્દ એક બોલું પણ તોય સમજી જાશે
એ મૌન પણ કળે છે એ છોકરી અજબ છે


શરમાઈ જાય રંગો એવો કંઈક ઈશારો
એ ફૂલને કરે છે એ છોકરી અજબ છે


આવીને યાદ એની ઘર મઘમઘાવે 'પાગલ'
તનહાઈ પણ ગમે છે એ છોકરી અજબ છે
- અલ્પેશ "પાગલ


નાની જ વાત હોયને તો હું ય ના કહું
વાગી છે ઠેશ પ્યાસની ઝરણાના શ્હેરમાં
- જિગર જોષી "પ્રેમ"

બદનામ કે મશહૂર છું એની મને કઈ ના ખબર
પણ આ શહેરમાં જિવતો હર આદમી શોધે મને
- અલ્પેશ "પાગલ"

શ્વાસ કચ્ચરઘાણ છે સરહદ ઉપરના શહેરમાં
તોય લોહીમાં ટપક્તી એષ્ણા આબાદ છે
- વિસ્મય લુહાર

હાથ ફરકાવે જતા વળતા બધા આ શહેરમાં
બે ઘડી આવી નિરાંતે ઘેર કો' મળતું નથી
- અશ્વિન ચંદારાણા

Wednesday, June 11, 2008


જમાનાથી અલગ અંદાઝ એ એક શખ્સ રાખે છે,
દિવો સળગાવવા તોફાન સાથે શર્ત રાખે છે.

જમાનાને બદલવાની નથી બસ વાત એ કરતો,
વહેતા ખૂનને રગરગમાં હરદમ ગર્મ રાખે છે.

એ સમજે છે બધું ને સાથ સમજાવી ય જાણે છે,
બધી વાતોમાં સામે તર્ક ને વિતર્ક રાખે છે.

ભૂલી જાયે છે જિવનના પ્રસંગો જે નથી ગમતાં,
ફકત એ સાચવીને એ બધાના મર્મ રાખે છે.

નથી પરવાહ એ કરતો જમાનો જખ ભલે મારે,
બધીયે વાતથી ખુદને ખુદીમાં મસ્ત રાખે છે.

હતો નાસ્તિક અને છે સ્થૂળ એ નાસ્તિક જ રેવાનો,
પરંતું એ ખરું એ આદમીયત ધર્મ રાખે છે.

અરે એ લાગણીનો એટલો ભુખ્યો છે માણસ કે,
બધીયે યાદ અશ્કોમાં ઝબોળી સર્દ રાખે છે.

શખસ મારા જ જેવો જાણે મારો આયનો 'પાગલ,
'હંસી એ હોઠ ઉપર ને નયનમાં અશ્ક રાખે છે.
-અલ્પેશ 'પાગલ'

જ્યાં એક સ્મરણ બચપણનું ખિસ્સામાં મળ્યું,
ત્યાં કેટલી અમિરાતમાં આવી ગયો.....
- અલ્પેશ 'પાગલ'


મોટી છબી હું ટાંગતા રાખું છું અહીં ધ્યાન,
શૈશવનો દિવાલેથી આ ફોટો ન પડી જાય.
- ગૌરાંગ ઠાકર


हटाया यादका बिखरा पडा सामान जब हमने,
कहीं टूटे खिलोनोमे मिला बचपन खझानेमे
-जिगर जोशी 'प्रेम'

इस कैद को तोडो बनेगी बात भी,
परछांइ से आगे निकलना चाहिये.
-अल्पेश 'पागल'

છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટના જંગલ મહીં,
ખોવાઈ ગ્યું છે ઉડતું પંખી અને આકાશ ને એવું બધું .
- અલ્પેશ 'પાગલ'

જાતને ખોટો ખુલાસો દઈ શકું,
કાશ હું ખુદને દિલાસો દઈ શકું.

મેળવી છે મોત સાથે આંખ મેં,
જિંદગીને હું'ય જાસો દઈ શકું.

તો નવા ઉન્મેષ પ્રગટાવી શકું,
સ્વપ્નને જો રાતવાસો દઈ શકું.

હું કિરણ છું આશનુ બસ આખરી,
શક્યતાને હું જ શ્વાસો દઈ શકું.

શબ્દ સાથે મિત્રતા છે એટલે,
અર્થ હું એને નવા સો દઈ શકું.

શક્યતાઓથી સભર અલ્પેશ છુ,
નામને હું અર્થ ખાસ્સો દઈ શકું.
- અલ્પેશ 'પાગલ'

બાગ પણ છે, સૂર્ય પણ છે, ચાંદ પણ, વરસાદ પણ,
રણમાં ફરવુ છે તો આવો એ'ય મારે ઘેર છે.....
- અલ્પેશ 'પાગલ'

કંટકો ખેંચી લીધા ખોટું થયું,
ફૂલના ઝખ્મો ઉઘાડા થૈ ગયા.
-નૂર પોરબંદરી

મન ફજર-ફાળકે જ્યારે જ્યારે ચડે, ટીપું વરસાદનું બાળપણને અડે,
ભીનુ ભીનુ કઈક સળવળે છે અને ત્યારે ત્યારે ગઝલ સાંભરે છે મને.
- અલ્પેશ 'પાગલ'

લ્યો, ગયું ચોમાસુંને આકાશ કેવું સ્વ્ચ્છ છે,
ગામને પાદર હવે ઇચ્છાનું સરકસ આવશે.
-ભગવતી કુમાર શર્મા
लफ्झ बनकर पिघल गया हुं मै,
कितने किस्सोमे धल गया हुं मै.

मैने सबकुछ बदलते देखा है,
वो कहे कि बदल गया हुं मै.

मेरे अन्दर नही हुं मै फिर भी,
आईनोको भी छल गया हुं मै.

वो वहा झुल्फ झटकती होगी,
ओ' यहापे मचल गया हुं मै.

चांद तेरे बगैर चांद नही,
चांदनीमे भी जल गया हुं मै.

दोस्त तुझसे कहुं संभाल जरा,
कि वहा पर फिसल गया हुं मै.

अब अन्धेरो का मै ही स्वामी हुं,
एक सूरज निगल गया हुं मै.
-अल्पेश 'पागल'

છોકરો ને છોકરી વળગીને બેઠા પાળ પર,
વચ્ચે બેઠું આપને દેખાય છે, તે મૌન છે.
- અલ્પેશ 'પાગલ'

રહું છું યાદમાં તારી, મને ચર્ચામાં રસ ક્યાં છે,
ફરક રેખા હું ક્યાં દોરું,પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે ?
- મરિઝ
जिस्मकी बात नही थी, उनके दिल तक जाना था,
लंबी दूरी तय करनेमे वक्त तो लगता है

Saturday, June 7, 2008


પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઊચમાં આપે,માણસ છે,બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી ,
લાગણીઓ લેસર થી કાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી ,
જળમાં પણ ચિનગારી ચાંપે,માણસ છે,બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગો તે ટહુકા આલાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતા ઘસતા,ફૂંક લગાવી હસતા હસતા,
જ્યાં જ્યાં સળગે ત્યાંત્યાં તાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી,સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે,બિઝનેસ કરે છે.
- ક્રુષ્ણ દવે

બસ ખુબી તો એ જ તું બોલાવ ને આવી શકું,
ને ચમન આખુ'ય તારા હાથમાં વાવી શકું.
- જિગર જોશી 'પ્રેમ'
હાથમાં મારા જ મારી ઝંખનાનું ખૂન છે,
એ ભીનું સંકેલવું પણ કેટલું અઘરું હતું.
- અલ્પેશ 'પાગલ'.

સાંભળ,તમસ અજમાવવા જેવું નથી,
આ રાતને પડકારવા જેવું નથી .

જો ઘૂંટી ઘૂંટીને લખેલું છે બધું ,
કૈ આપણામાં ધારવા જેવું નથી

આ લાગણીનું બીજ છે સાચવ જરા,
એ કૈ ગમે ત્યાં વાવવા જેવું નથી.

જાશે પછી અવસર ન પાછો આવશે,
આ આવ્યું ટાણું ટાળવા જેવું નથી.

ખાલીપણું અખબાર છે ગઈકાલનું,
'પાગલ'કશું પણ વાંચવા જેવું નથી.
- અલ્પેશ 'પાગલ'.

मेरी अपनी भी मजबुरीयां है बहुत,
मै समंदर हुं पीने का पानी नही
- बशिर बद्र.


જળ હતું કે સ્થળ હતું તળ હતું કે છળ હતું,
માછલીની આંખમાં અટકળની વચ્ચે શું હતુ?

-હર્ષદ ચંદારાણા.
સૂર્યને સરિયામ નિષ્ફળ યુધ્ધમાં ફેંકી દઈ,
સાત અશ્વોનું નભે વિખરાઈને ઘેરું થવું.
-ધ્રુવ ભટ્ટ
આ તારું યાદ આવવું સતત અને સતત,
નહિતર તો યાર આજ હું ઘણું બધું લખત.

વરસાદ આજે આભનો પલાળે તરબતર,
ઉપરથી તારી યાદનું આ ઝાપટું સખત.

બોલી તું કૈક એ ગમ્યું,આ મૌન પણ હસ્યું,
બોલત નહીં તો એ'ય અમને સો ટકા ગમત.


આખીય રાત જાગવું પડ્યું ને તું ન'તી,
નડતી રહી મને આ તારા સ્વપ્નની અછત.

જો ઝંખના આ તારી હોત મારા જેટલી,
તો હું'ય તારા ખ્વાબ બાજુ થઈને નીકળત.

'પાગલ'અલગ એ વાત કે ગણાય એ ગઝલ,
કાગળ ઊપર કર્યા છે મેં હ્રદયના દસ્તખત.

- અલ્પેશ 'પાગલ'.