
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
અફવા ઓઢી નિકળી પડ્યો માણસ આખે આખો
એક સડક પર એક ઝાંઝવુ નિકળ્યુ આજ અચાનક
કોઈએ ફોટો લીધો ને કોઇએ પુછ્યુ કથાનક
કોઈએ પુછ્યુ કે તરસનો તને અનુભવ કેવો ?
ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં બોલ્યું પાણી તો પીવરાવો ?
માણસાઈના ગાલ ઉપર લાગ્યો છે એક તમાચો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
વાંચીને અખબારોમાં સરકાર અચાનક જાગી
મોટા મોટા ભાષણ કર્યા રડતુ મોઢુ રાખી
ચો તરફ સરકાર વિરોધી પક્ષોનો દેકારો
ઝાંઝવુ મરવા પડ્યુ છે એ પણ લાગ છે સારો
પણ સાચા માણસના દિલમાં ઉઠ્યો એક સબાકો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
ને પછી આ સવાલ ઊપર એક કમીટી બેઠી
તે પછી સંસદમાં થઈ ચર્ચાની ફેકા ફેકી
ઝાંઝવુ અંતે તો ત્યાંનું ત્યાં રૈ ગ્યું બિચ્ચારું
એ પછી તો બદલી ગઈ છે કેટલીએ સરકારું
ને ઝાંઝવાનું સરનામું છે ભારતવાસી લાખો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
- અલ્પેશ 'પાગલ'
કવિતા એપ્રિલ-મે ૨૦૦૯