Monday, September 21, 2009


શબ્દોનો સાગર ઊછળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
ને તોય ચુપ રહેવું પડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
અન્યાય તારાથી સહન થાશે કે નૈં એ વાત આખી ગૌણ છે
પણ લોહી તારું ઊકળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
પહોચાય છે મંઝિલ સુધી અન્યો ઉપર પગ ગોઠવી સાચુ છે પણ
આપણને એવુ આવડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
ઘેરાઈ ગ્યો છે એક જણ પ્રતિબિમ્બ વચ્ચે,શું થશે સસ્પેન્સ છે
છટકી જવાની પળ મળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે

આ જિંદગીનો મહેલ આખો જેલ જેવો છે, ચલો માની લીધુ
એકાદ બારી ઊઘડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે


હુ તરજુમો કરતો રહુ છું ભીતરી જઝબાતનો કવિતા લખી
તારી ભિતર કંઈ ઓગળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
- અલ્પેશ 'પાગલ'

આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
અફવા ઓઢી નિકળી પડ્યો માણસ આખે આખો

એક સડક પર એક ઝાંઝવુ નિકળ્યુ આજ અચાનક
કોઈએ ફોટો લીધો ને કોઇએ પુછ્યુ કથાનક
કોઈએ પુછ્યુ કે તરસનો તને અનુભવ કેવો ?
ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં બોલ્યું પાણી તો પીવરાવો ?
માણસાઈના ગાલ ઉપર લાગ્યો છે એક તમાચો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો


વાંચીને અખબારોમાં સરકાર અચાનક જાગી
મોટા મોટા ભાષણ કર્યા રડતુ મોઢુ રાખી
ચો તરફ સરકાર વિરોધી પક્ષોનો દેકારો
ઝાંઝવુ મરવા પડ્યુ છે એ પણ લાગ છે સારો
પણ સાચા માણસના દિલમાં ઉઠ્યો એક સબાકો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો

ને પછી આ સવાલ ઊપર એક કમીટી બેઠી
તે પછી સંસદમાં થઈ ચર્ચાની ફેકા ફેકી
ઝાંઝવુ અંતે તો ત્યાંનું ત્યાં રૈ ગ્યું બિચ્ચારું
એ પછી તો બદલી ગઈ છે કેટલીએ સરકારું
ને ઝાંઝવાનું સરનામું છે ભારતવાસી લાખો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો

- અલ્પેશ 'પાગલ'
કવિતા એપ્રિલ-મે ૨૦૦૯

Thursday, April 30, 2009


सिर्फ इक पल का बहाना चाहिये
कौन कहेता है जमाना चाहिये ?
आग पानीमे लगानी चाहिये
दुश्मनो को घर बुलाना चाहिये

रात सारी जागना भी है कुबुल
हाथमे एक चांद आना चाहिये

इश्तहार आया है इक अखबारमें
आदमी सबसे दीवाना चाहिये

गम ठहांके मारके हसने लगे
जोर से मूस्कुराना चाहिये

जेब मे होगी ये दुनिया एक दिन
'पागल'अपना वकत आना चाहिये
अल्पेश 'पागल'

તું હસીને શું કહી દે છે સનમ ?
કે અહીયા સાંજ લથડે છે સનમ
એમને વરસી જવાની છૂટ આપ
વાદળોને પ્યાસ લાગે છે સનમ.
અલ્પેશ 'પાગલ'


સપના ય મારા કેટ્લા હુશીયાર થઈ ગયા,
મોકો મળ્યો તો આંખમાંથી બહાર થઈ ગયા.

બંને હતા અલગ તો હતા શૂન્યની નજીક,
સાથે મળ્યા બે એકડા, અગિયાર થઈ ગયા.

વાતો ન નીકળી હોઠથી એ વેદના બની,
આંસુ ન નીકળ્યા તો એ અશઆર થઈ ગયા.

મારી જ સાથે એની હરીફાઈ છે ફકત,
મારા બે શેર એટ્લા દમદાર થઈ ગયા.

જે ઝેર આવ્યું ભાગમાં એને હું પી ગયો,
દુનિયાના લોક કેટ્લા લાચાર થઈ ગયા. !

એણે નજરથી દીધા ટકોરા અને પછી
પથ્થર હ્રદયની ભીંતમાં પણ દ્વાર થઈ ગયા.

શોભે છે મ્યુઝિયમના એ શોકેશમાં જ બસ
'પાગલ' સંબંધ લોહીના બિસ્માર થઈ ગયા.
અલ્પેશ 'પાગલ'
कम नही तिनका बहुत है, हौसला अपना बहुत है
राह कुछ उल्जी हुयी दिल भी आवारा बहुत है
अल्पेश 'पागल'

એકાદ બે ડુમા અને ડુસકા પડ્યા છે ચાર પાંચ
તે ના કહેલી વાતના પડઘા પડ્યા છે ચાર પાંચ

એ હસ્તરેખા જાણનારા ખાનગીમાં કહુ તને ?
ખિસ્સામાં મારા ભાગ્યના તારા પડ્યા છે ચાર પાંચ

એકાદ ભીની યાદ કંઈ તડપાવવા ઓછી હતી ?
પાછા સ્મરણ વરસાદમાં ન્હાવા પડ્યા છે ચાર પાંચ

પંખી હતો હું એ કથા ઈતિહાસ ક્યાં થઈ છે હજી !
મારા ગળામાં આજ પણ ટહુકા પડ્યા છે ચાર પાંચ

મારી દલીલો તો બધી ખુટી પડી, હારી ગયો,
ને એમની પાસે હજી મુદ્દા પડ્યા છે ચાર પાંચ

એકજ હતી બસ ભૂલ ને એકજ સજા એની હતી,
'પાગલ" ! જગતને કારણો ધરવા પડ્યા છે ચાર પાંચ
- અલ્પેશ 'પાગલ'


तु अपने आईने के साथ यु बाते न कर 'पागल' !
तेरा ये अक्स तेरे अंदर इक झिन्दा बना देगा.
- अल्पेश पागल

Saturday, March 14, 2009


વાત ના થ્યા કેટલા ટૂકડા હવે
એક ઊડવી જોઈયે અફવા હવે

છે નવી દુનિયાના સંદર્ભો નવા
ચાલ બદલી નાખીયે ચશ્મા હવે

એજ ઘટના એજ ઈચ્છા એજ હું
તોય આવે છે નવા સપના હવે

તું મને સમજે નહીં ના હુ તને
થઈ ગયા છૈ આપણે અઘરા હવે

પ્યાસ પણ લાગી શકે છે જિન્દગી
મ્રુગ્જળોથી ખિસ્સુ ના ભરતા હવે

હુ જિવુ છુ કેટલા સંદર્ભમાં
મેં કર્યા છે મારા પણ ટુકડા હવે

ધગ્ધગે છે ટેરવા "પાગલ" અને
પીગળૅ છે શબ્દની શમ્મા હવે
- અલ્પેશ "પાગલ"

ગઝલ વિશ્વ ફેબ્રુ. ૨૦૦૯




કોણ આ રંગાયું છે તારા રંગે સુંદર સ્મિત બની
લીપસ્ટિક માફક હોઠો પર કોણ રહે છે બોલ સખી !?

- અલ્પેશ "પાગલ"



શ્વાસ છોડીને ઈસુ ચાલ્યા ગયા છે
બાકી સૌ અહીં ક્રોસ પર લટકી રહ્યા છે

આદમી દૂર આદમીથી જઈ રહ્યો છે
લોક સાચે ચાંદ પર પહોચી ગયા છે

જિન્દગી સામે જુગુપ્સા થી જુએ છે
લાશ પર એ માણસો ટોળે વળ્યા છે

કોઇ ચહેરાને કદી વાંચ્યો છે આપે ?
આંસુઓને બોલતા શું સાંભળ્યા છે?

હુ હસું છું ને દિલાસો આપે છે
લાગે છે કે મને સમજી રહ્યા છે...

- અલ્પેશ "પાગલ"

શબ્દશ્રુષ્ટી માર્ચ ૨૦૦૯
જો ફર્ક છે તો માત્ર છે જોવાની રીતમા
બાકી તો સ્વપ્ન હોય છે સૌના નસીબમા...

- અલ્પેશ "પાગલ"
તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એન પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું
- અલ્પેશ "પાગલ"

અખંડ આનંદ માર્ચ ૨૦૦૯
આ શહેરની
અડધી રાત સુધી
પ્રગટી રહેતી બત્તીઓ
પી જાય છે
મારા હિસ્સાની ચાંદની !

- અલ્પેશ "પાગલ"

મોનોઈનેજ માર્ચ ૨૦૦૯

Saturday, February 28, 2009


એક સપનું રોજ છટકી જાય છે ચાલ્યા કરે છે
અંત પર આવીને અટકી જાય છે ચાલ્યા કરે છે
એક આહટ પથ્થરોની જેમ ફેકાયા કરે છે
ને વિચારો કાચ્ બટકી જાય છે ચાલ્યા કરે છે
- અલ્પેશ "પાગલ"
ગઝલવિશ્વ જૂન ૨૦૦૮

આંખો ભીની થૈ ગૈ દિલને ટાઢક ટાઢક લાગે છે
દોસ્ત હવે તો આંસુઓ પણ અગ્નિશામક લાગે છે

રડતાં રડતાં હસતા લોકો હસતાં હસતાં રડતા'તા.
સંજોગોના સ્ટેજ ઉપર જિવવું પણ નાટક લાગે છે

ઝાડ ઉપર એક માળામાં એક પંખી કેવું બેઠું છે
જાણે મા ના ખોળામાં સૂતેલું બાળક લાગે છે

આજ રમે છે મનની અંદર ખિસકોલી ને હોલાઓ
હુ ય ટબુકલો હોઉ એવુ સાવ અચાનક લાગે છે

"પાગલ" ચાલો કડવી વાતો હુ સૌને સમજાવી દઉં
આજે જોજો મારી ગઝલો કેવી સ્ફોટક લાગે છે
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)
કુમાર (ડિસેમ્બર ૨૦૦૮)

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફત થી તોડે છે.

અણસમજુ માણસ છે દિલનો કાચ તુટે ને રોવે છે
ને એક માણસ શાણૉ છે શિશાથી પથ્થર ફોડે છે.

પંખી પંખી કલરવ કલરવ ચીસો ચીસો બીજુ શું
કાઇ નથી બસ વ્રુક્ષ તૂટ્યુ છે બાકી સઘળું ઓ કે છે

હુ ચાહુ છું આ દુનિયાને એ પણ મુજને ચાહે છે
સાવ જ ખોટું હુ બોલું છુ એ પણ ખોટુ બોલે છે.

"પાગલ" તો છે બીકણફોસી ખુદ ખુદ્થી ડરનારો છે
બુઢ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોકે છે.
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)