
એકાદ બે ડુમા અને ડુસકા પડ્યા છે ચાર પાંચ
તે ના કહેલી વાતના પડઘા પડ્યા છે ચાર પાંચ
એ હસ્તરેખા જાણનારા ખાનગીમાં કહુ તને ?
ખિસ્સામાં મારા ભાગ્યના તારા પડ્યા છે ચાર પાંચ
એકાદ ભીની યાદ કંઈ તડપાવવા ઓછી હતી ?
પાછા સ્મરણ વરસાદમાં ન્હાવા પડ્યા છે ચાર પાંચ
પંખી હતો હું એ કથા ઈતિહાસ ક્યાં થઈ છે હજી !
મારા ગળામાં આજ પણ ટહુકા પડ્યા છે ચાર પાંચ
મારી દલીલો તો બધી ખુટી પડી, હારી ગયો,
ને એમની પાસે હજી મુદ્દા પડ્યા છે ચાર પાંચ
એકજ હતી બસ ભૂલ ને એકજ સજા એની હતી,
'પાગલ" ! જગતને કારણો ધરવા પડ્યા છે ચાર પાંચ
- અલ્પેશ 'પાગલ'
1 comment:
અલ્પેશ: એક એક શેર જોરદાર છે. ખૂબ સરસ. તમારા બ્લોગની મુલાકાત અવારનવાર લેવાનું અનિવાર્ય લાગે છે. ... ચંદ્રેશ ઠાકોર
તા.ક.: તમારી જેમ હું ગઝલો તો લખી શકતો નથી. પણ્, મારા કાવ્યો માટે મારો બ્લોગ છે. www.shabd-aayno.blogspot.com ... મુલાકાત લેશો તો ગમશે.
Post a Comment