Monday, September 21, 2009


શબ્દોનો સાગર ઊછળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
ને તોય ચુપ રહેવું પડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
અન્યાય તારાથી સહન થાશે કે નૈં એ વાત આખી ગૌણ છે
પણ લોહી તારું ઊકળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
પહોચાય છે મંઝિલ સુધી અન્યો ઉપર પગ ગોઠવી સાચુ છે પણ
આપણને એવુ આવડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
ઘેરાઈ ગ્યો છે એક જણ પ્રતિબિમ્બ વચ્ચે,શું થશે સસ્પેન્સ છે
છટકી જવાની પળ મળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે

આ જિંદગીનો મહેલ આખો જેલ જેવો છે, ચલો માની લીધુ
એકાદ બારી ઊઘડે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે


હુ તરજુમો કરતો રહુ છું ભીતરી જઝબાતનો કવિતા લખી
તારી ભિતર કંઈ ઓગળે છે કે નહી બસ મૂળ મુદ્દો એજ છે
- અલ્પેશ 'પાગલ'

આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો
અફવા ઓઢી નિકળી પડ્યો માણસ આખે આખો

એક સડક પર એક ઝાંઝવુ નિકળ્યુ આજ અચાનક
કોઈએ ફોટો લીધો ને કોઇએ પુછ્યુ કથાનક
કોઈએ પુછ્યુ કે તરસનો તને અનુભવ કેવો ?
ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં બોલ્યું પાણી તો પીવરાવો ?
માણસાઈના ગાલ ઉપર લાગ્યો છે એક તમાચો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો


વાંચીને અખબારોમાં સરકાર અચાનક જાગી
મોટા મોટા ભાષણ કર્યા રડતુ મોઢુ રાખી
ચો તરફ સરકાર વિરોધી પક્ષોનો દેકારો
ઝાંઝવુ મરવા પડ્યુ છે એ પણ લાગ છે સારો
પણ સાચા માણસના દિલમાં ઉઠ્યો એક સબાકો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો

ને પછી આ સવાલ ઊપર એક કમીટી બેઠી
તે પછી સંસદમાં થઈ ચર્ચાની ફેકા ફેકી
ઝાંઝવુ અંતે તો ત્યાંનું ત્યાં રૈ ગ્યું બિચ્ચારું
એ પછી તો બદલી ગઈ છે કેટલીએ સરકારું
ને ઝાંઝવાનું સરનામું છે ભારતવાસી લાખો
આજ સવારે અખબારોમાં વાંચ્યો એક ધડાકો

- અલ્પેશ 'પાગલ'
કવિતા એપ્રિલ-મે ૨૦૦૯