Saturday, February 28, 2009


એક સપનું રોજ છટકી જાય છે ચાલ્યા કરે છે
અંત પર આવીને અટકી જાય છે ચાલ્યા કરે છે
એક આહટ પથ્થરોની જેમ ફેકાયા કરે છે
ને વિચારો કાચ્ બટકી જાય છે ચાલ્યા કરે છે
- અલ્પેશ "પાગલ"
ગઝલવિશ્વ જૂન ૨૦૦૮

આંખો ભીની થૈ ગૈ દિલને ટાઢક ટાઢક લાગે છે
દોસ્ત હવે તો આંસુઓ પણ અગ્નિશામક લાગે છે

રડતાં રડતાં હસતા લોકો હસતાં હસતાં રડતા'તા.
સંજોગોના સ્ટેજ ઉપર જિવવું પણ નાટક લાગે છે

ઝાડ ઉપર એક માળામાં એક પંખી કેવું બેઠું છે
જાણે મા ના ખોળામાં સૂતેલું બાળક લાગે છે

આજ રમે છે મનની અંદર ખિસકોલી ને હોલાઓ
હુ ય ટબુકલો હોઉ એવુ સાવ અચાનક લાગે છે

"પાગલ" ચાલો કડવી વાતો હુ સૌને સમજાવી દઉં
આજે જોજો મારી ગઝલો કેવી સ્ફોટક લાગે છે
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)
કુમાર (ડિસેમ્બર ૨૦૦૮)

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફત થી તોડે છે.

અણસમજુ માણસ છે દિલનો કાચ તુટે ને રોવે છે
ને એક માણસ શાણૉ છે શિશાથી પથ્થર ફોડે છે.

પંખી પંખી કલરવ કલરવ ચીસો ચીસો બીજુ શું
કાઇ નથી બસ વ્રુક્ષ તૂટ્યુ છે બાકી સઘળું ઓ કે છે

હુ ચાહુ છું આ દુનિયાને એ પણ મુજને ચાહે છે
સાવ જ ખોટું હુ બોલું છુ એ પણ ખોટુ બોલે છે.

"પાગલ" તો છે બીકણફોસી ખુદ ખુદ્થી ડરનારો છે
બુઢ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોકે છે.
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)