Saturday, June 7, 2008


બસ ખુબી તો એ જ તું બોલાવ ને આવી શકું,
ને ચમન આખુ'ય તારા હાથમાં વાવી શકું.
- જિગર જોશી 'પ્રેમ'
હાથમાં મારા જ મારી ઝંખનાનું ખૂન છે,
એ ભીનું સંકેલવું પણ કેટલું અઘરું હતું.
- અલ્પેશ 'પાગલ'.

સાંભળ,તમસ અજમાવવા જેવું નથી,
આ રાતને પડકારવા જેવું નથી .

જો ઘૂંટી ઘૂંટીને લખેલું છે બધું ,
કૈ આપણામાં ધારવા જેવું નથી

આ લાગણીનું બીજ છે સાચવ જરા,
એ કૈ ગમે ત્યાં વાવવા જેવું નથી.

જાશે પછી અવસર ન પાછો આવશે,
આ આવ્યું ટાણું ટાળવા જેવું નથી.

ખાલીપણું અખબાર છે ગઈકાલનું,
'પાગલ'કશું પણ વાંચવા જેવું નથી.
- અલ્પેશ 'પાગલ'.

मेरी अपनी भी मजबुरीयां है बहुत,
मै समंदर हुं पीने का पानी नही
- बशिर बद्र.


જળ હતું કે સ્થળ હતું તળ હતું કે છળ હતું,
માછલીની આંખમાં અટકળની વચ્ચે શું હતુ?

-હર્ષદ ચંદારાણા.
સૂર્યને સરિયામ નિષ્ફળ યુધ્ધમાં ફેંકી દઈ,
સાત અશ્વોનું નભે વિખરાઈને ઘેરું થવું.
-ધ્રુવ ભટ્ટ
આ તારું યાદ આવવું સતત અને સતત,
નહિતર તો યાર આજ હું ઘણું બધું લખત.

વરસાદ આજે આભનો પલાળે તરબતર,
ઉપરથી તારી યાદનું આ ઝાપટું સખત.

બોલી તું કૈક એ ગમ્યું,આ મૌન પણ હસ્યું,
બોલત નહીં તો એ'ય અમને સો ટકા ગમત.


આખીય રાત જાગવું પડ્યું ને તું ન'તી,
નડતી રહી મને આ તારા સ્વપ્નની અછત.

જો ઝંખના આ તારી હોત મારા જેટલી,
તો હું'ય તારા ખ્વાબ બાજુ થઈને નીકળત.

'પાગલ'અલગ એ વાત કે ગણાય એ ગઝલ,
કાગળ ઊપર કર્યા છે મેં હ્રદયના દસ્તખત.

- અલ્પેશ 'પાગલ'.