Saturday, June 14, 2008

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

'પાગલ' તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત
- અલ્પેશ 'પાગલ'

લટક્યા કરું છુ ક્યારનો શ્વાસોના ક્રોસ પર
ખીલ્લા જડો તો એક જડો ઔર છાતીએ
- ભગવતી કુમાર શર્મા

આભ કહેતું દઈ કાન સુણતી ધરા
આસુંના ક્રોસે લટક્તી વારતા
- હરેશ તથાગત
કોઈ રાખે બંધ બારી-બારણા વરસાદમાં,
તોય આવી જાય છે સંભારણા વરસાદમાં.
આંખ પણ કરતી રહે છે છાંટણા વરસાદમાં,
આપણું આ મન જલે છે આપણાવરસાદમાં.
પ્રીતની વરસાવશે હેલી પછી શું શું થશે,
મે ય બાંધી છે મજાની ધારણા વરસાદમાં.
તનબદન ભીંજાય ને અસ્તિત્વ કોરુ હોય છે,
આમ સળગે છે હ્રદયના તાપણા વરસાદમાં.
અન્ય મોસમમાં રહું છું એકલો ચૂપચાપ હું,
પણ પ્રગટ થઈ જય છે ખાલીપણા વરસાદમાં,
ખોઇ નાખી મુગ્ધતા ને દોઢડાહ્યા થઈ ગયા,
જો પલળતા પણ નથી એવા ઘણા વરસાદમાં.
- અલ્પેશ 'પાગલ'

સ્પર્ધા જ કરવી હોય તો અહિયા કિનારે શું ?
મઝધારે જઈયે ચાલ તું તૈયાર છે ભઈલા ?
- અલ્પેશ 'પાગલ'
નથી નાખુદા ને ખુદા પર ભરોસો,
હવે નાવડી છે ભંવર છે ને હું છું.
- શૂન્ય પાલનપૂરી
ઋતુ સાથ મિજાજ બદલે છે તડકો
શિયાળામાં હૂંફ ને ઉનાળામાં ભડકો
મને બીક છે કે તમે આવશો તો
ડુમો થઈ ન બાજે ગળામાં ઉમળકો
ભલે દિલ તૂટ્યું છે ભલેને હશે જગ
ભલે ઘાવની સાથે થાતો ઘસરકો
સમજ દુનિયાને ફકત રુપિયાની
સ્મરણ ખીસ્સે ઘાલી ફરે એક કડકો
ફરી બાળપણ સાથે બિલ્લા કરીને
ફરીથી રમી નાખીયે અડકો દડકો
તું તો ત્ય ઉભી ઝુલ્ફ ઝટકે ને અહિયા
અમારા હ્રદયનેય લાગે છે ઝટકો
અમારી મહોબત શું એનાથી કમ છેં?
ચલો માન્યુ કે તું હશે રૂપનો કટકો
ગઝલ ચિતરુ છુ ખરેખર તો 'પાગલ'
આ છંદોની પીંછી શબદનો લસરકો
- અલ્પેશ "પાગલ"

નવ ગ્રહ એ એકલો રમાડે છે
સૂર્ય એટલે કે સાવ ચાલું છે
- અલ્પેશ "પાગલ"
અરે હું સૂર્ય છું પાછો ઉદય થાશે અહીં મારો
ઢળેલી સાંજ દેખી આમ ના ખાઓ દયા યારો
- જિગર જોષી "પ્રેમ"

એક મયખાનું ચાલે છે આલમ મહીં સૂર્ય પણ જામ છે ચંદ્ર પણ જામ છે
દ્રષ્ટિ વાળા ફકત પી શકે છે અહીં ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે.
- શૂન્ય પાલનપુરી

અણજાણતાં એ રાતનાં મે પણ પીધેલી ચાંદની
ઢોળી દીધેલી વિશ્વ પર બાકી વધેલી ચાંદની
ચોરી છુપીથી રાતના એ કોને મળવા ગઈ હતી
મદમાતી ચાલ ચાલતી રસ્તે મળેલી ચાંદની
ઉજળી કહો તો ચાંદ જેવી રાત જેવી શાંત પણ
એ છોકરીને એટલે મે તો કહેલી ચાંદની
એ એટલે બિચારી મુજ આગોશમાં આવી હતી
કે ચાંદથી છુટ્ટી પડી ભટકી ગયેલી ચાંદની
તારા વગર તો એ સનમ અમને કશુંયે ના ગમે
જો તુ નહોતી રાતના તો ક્યાં ગમેલી ચાંદની
આ ચાંદના સાન્નિધ્યમાં બહેકી જ ઉઠે છે બધા
"પાગલ" કવિના સાથમાં બહેકી ઉઠેલી ચાંદની
- અલ્પેશ "પાગલ"