Saturday, March 14, 2009



શ્વાસ છોડીને ઈસુ ચાલ્યા ગયા છે
બાકી સૌ અહીં ક્રોસ પર લટકી રહ્યા છે

આદમી દૂર આદમીથી જઈ રહ્યો છે
લોક સાચે ચાંદ પર પહોચી ગયા છે

જિન્દગી સામે જુગુપ્સા થી જુએ છે
લાશ પર એ માણસો ટોળે વળ્યા છે

કોઇ ચહેરાને કદી વાંચ્યો છે આપે ?
આંસુઓને બોલતા શું સાંભળ્યા છે?

હુ હસું છું ને દિલાસો આપે છે
લાગે છે કે મને સમજી રહ્યા છે...

- અલ્પેશ "પાગલ"

શબ્દશ્રુષ્ટી માર્ચ ૨૦૦૯
જો ફર્ક છે તો માત્ર છે જોવાની રીતમા
બાકી તો સ્વપ્ન હોય છે સૌના નસીબમા...

- અલ્પેશ "પાગલ"
તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એન પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું
- અલ્પેશ "પાગલ"

અખંડ આનંદ માર્ચ ૨૦૦૯
આ શહેરની
અડધી રાત સુધી
પ્રગટી રહેતી બત્તીઓ
પી જાય છે
મારા હિસ્સાની ચાંદની !

- અલ્પેશ "પાગલ"

મોનોઈનેજ માર્ચ ૨૦૦૯

Saturday, February 28, 2009


એક સપનું રોજ છટકી જાય છે ચાલ્યા કરે છે
અંત પર આવીને અટકી જાય છે ચાલ્યા કરે છે
એક આહટ પથ્થરોની જેમ ફેકાયા કરે છે
ને વિચારો કાચ્ બટકી જાય છે ચાલ્યા કરે છે
- અલ્પેશ "પાગલ"
ગઝલવિશ્વ જૂન ૨૦૦૮

આંખો ભીની થૈ ગૈ દિલને ટાઢક ટાઢક લાગે છે
દોસ્ત હવે તો આંસુઓ પણ અગ્નિશામક લાગે છે

રડતાં રડતાં હસતા લોકો હસતાં હસતાં રડતા'તા.
સંજોગોના સ્ટેજ ઉપર જિવવું પણ નાટક લાગે છે

ઝાડ ઉપર એક માળામાં એક પંખી કેવું બેઠું છે
જાણે મા ના ખોળામાં સૂતેલું બાળક લાગે છે

આજ રમે છે મનની અંદર ખિસકોલી ને હોલાઓ
હુ ય ટબુકલો હોઉ એવુ સાવ અચાનક લાગે છે

"પાગલ" ચાલો કડવી વાતો હુ સૌને સમજાવી દઉં
આજે જોજો મારી ગઝલો કેવી સ્ફોટક લાગે છે
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)
કુમાર (ડિસેમ્બર ૨૦૦૮)

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફત થી તોડે છે.

અણસમજુ માણસ છે દિલનો કાચ તુટે ને રોવે છે
ને એક માણસ શાણૉ છે શિશાથી પથ્થર ફોડે છે.

પંખી પંખી કલરવ કલરવ ચીસો ચીસો બીજુ શું
કાઇ નથી બસ વ્રુક્ષ તૂટ્યુ છે બાકી સઘળું ઓ કે છે

હુ ચાહુ છું આ દુનિયાને એ પણ મુજને ચાહે છે
સાવ જ ખોટું હુ બોલું છુ એ પણ ખોટુ બોલે છે.

"પાગલ" તો છે બીકણફોસી ખુદ ખુદ્થી ડરનારો છે
બુઢ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોકે છે.
- અલ્પેશ "પાગલ"
શહિદે ગઝલ (સપ્ટે - નવે. ૨૦૦૮)