Saturday, June 7, 2008


પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઊચમાં આપે,માણસ છે,બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી ,
લાગણીઓ લેસર થી કાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી ,
જળમાં પણ ચિનગારી ચાંપે,માણસ છે,બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગો તે ટહુકા આલાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતા ઘસતા,ફૂંક લગાવી હસતા હસતા,
જ્યાં જ્યાં સળગે ત્યાંત્યાં તાપે,માણસ છે,બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી,સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે,બિઝનેસ કરે છે.
- ક્રુષ્ણ દવે

No comments: