Saturday, June 14, 2008


એક-બે ઇચ્છા હજુ'યે ટળવળે છે કે નહીં ?
શ્વાસ સાથે આહ પણ નીકળે છે કે નહીં ?

રોજના છે આ પ્રયાસો રોજનો છે આ નિયમ,
એમનું ઘર જોઇયે, આજે મળે છે કે નહીં ?

હું ઘણું બધ્ધું કહી થાકી ગયો છું આખરે,
જોઇયે,આ મૌનને તેઓ કળે છે કે નહીં ?

જ્યા હશે જેની અપેક્ષા ત્યા જ એ મળશે નહી,
જોઇ લે આખું જગત ઉપરતળે છે કે નહીં ?

એમના વ્યવહારનું ઠંડાપણું ગરમાવશું ,
જોઇશું કે આ બરફ પણ ઓગળે છે કે નહીં ?

દોસ્ત કાઈ પણ કરો આ જીદ નહી તોડી શકો,
લો,ચકાસો સીંદરીના વળ બળે છે કે નહીં ?

એક તો કરતા નથી એ ઠરવા જેવું કશું...
પાછા પૂછે છે મને કે દિલ બળે છે કે નહીં ?

આવું છે ખુશીનું 'પાગલ' ગમનું પણ આવું જ છે,
રોજ ઉગે છે સૂરજ પાછો ઢળે છે કે નહીં ?
- અલ્પેશ 'પાગલ'

No comments: